History - What I Think... - Chintan Patel

Chintan Patel
Go to content

Main menu:

સરદાર પટેલ: ભારત ભાગ્ય વિધાતા

Chintan Patel
Published by in History ·
 
સરદાર વલ્લભભાઈ પટેલ. ભારત દેશમાં એક એવું નામ કે જેના વિષે જ્ઞાન ઓછું અને અજ્ઞાન વધુ ફેલાયેલું છે. જેના વિષે સંવાદ ઓછો અને વિવાદ વધુ થતો રહેલો છે. સરદાર સાહેબને થયેલા અન્યાયની ચર્ચા આજે પાનના  ગલ્લે અથવા ચાની લારી ઉપર કરતા ચર્ચાવીરો સરદાર સાહેબ વિષે કેટલું જાણે છે? સરદાર સાહેબનું જન્મ સ્થળ કયું એ પ્રશ્ન રસ્તે જતા કોઈને પણ પકડીને પૂછો તો ૯૯% લોકોનો જવાબ હશે કરમસદ. શાળાના પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતા સરદાર સાહેબના પ્રસંગો કેટલા? કોઈ પણ વ્યક્તિ ને માઈક આપીને એવું કેહવામાં આવે કે સરદાર પટેલ વિષે બોલવાનું છે તો...બગલમાં થયેલું ગુમડુ ગરમ ગરમ લોખંડના સળિયા વડે ફોડવું, બારડોલી સત્યાગ્રહ, સાઢી પાંચસોથી વધુ દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ અને છેલ્લે ગાંધીજી તરફથી સરદાર સાહેબને થયેલો અન્યાય...ઇતિ સિદ્ધમ...ઘી એન્ડ...સમય સમાપ્ત...
 
આટલા પ્રસન્ગોથી એક પ્રસંગ પણ વધુ વર્ણવી શકે એવા મહાપુરુષને તો વંદન જ કરવા પડે અને એ પણ સાષ્ટાંગ દંડવત...૩૧ ઓક્ટોબરની તારીખ આખા દેશમાં સરદાર જયંતિ તરીકે ઉજવાય છે અને બધાને એ તારીખ યાદ છે...કારણ...કારણકે ૩૧ ઓક્ટોબરની તારીખ કેલેન્ડરમાં લાલ રંગથી છાપેલી હોય છે...કેટલા ભારતીયોને એ ખબર છે કે ૩૧ ઓક્ટોબરએ સરદાર સાહેબની સાચી જન્મતારીખ છે જ નહિ...હકીકતમાં સરદાર સાહેબની સાચી જન્મતારીખની નોંધ ક્યાંય પણ નથી...પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા સંતાન એવા વલ્લભભાઈની જન્મતારીખ નોંધવામાં જ નહોતી આવી. સરદાર સાહેબના કહેવા પ્રમાણે જયારે સૌ પ્રથમવાર જન્મતારીખની જરૂર પડી ત્યારે તેમના મગજમાં જે તારીખ આવી તે લખી દીધી. અને તેમના મગજમાં આવેલી તારીખ એટલે ૩૧ ઓક્ટોબર ૧૮૭૫.

 
બાળપણ 
ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય એટલે ગુજરાત, ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ એટલે ચરોતર-વાત્રકથી મહીસાગર નદી વચ્ચેનો પ્રદેશ. એવા પાણીદાર પ્રદેશનું ગામ કરમસદ. કરમસદના સામાન્ય ખેડૂત ઝવેરભાઈ અને લાડબાનું ચોથું સંતાન એટલે વલ્લભભાઈ. વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં તેમના મામા ડુંગરભાઈને ત્યાં થયો હતો. તેમનાથી ત્રણ મોટા ભાઈ અને ત્યાર બાદ એક ભાઈ અને બહેન. બધા ભાઈ-બહેનોમાં વચેટ હોવાના કારણે ઘર તથા ખેતરના લગભગ બધા જ કામ વલ્લભભાઈને માથે આવતા. તેમનો સ્વભાવ બાળપણથી જ આખાબોલો હોવાને કારણે ઘણી વાર મોટાભાઈઓને સામે જવાબ આપતા. તેથી મોટા ભાઈઓએ ઘરમાં તેમનું નામ પડ્યું હતું "ગાંડો બળદ". કઈ પણ કામ હોય તો "ગાંડા બળદ"ને  સોંપવામાં આવતું. તેમના આવા જ સ્વભાવ ને કારણે નડિયાદની શાળામાં તેમનું નામ પડ્યું હતું "તોફાની બહારવટિયો". ઘરમાં ગાંડો બળદ અને શાળામાં તોફાની બહારવટિયો. કોઈ વિચારી પણ શકે કે બાળપણમાં આવા "આઉટ ઓફ બોક્સ" ઉપનામ ધરાવતો સામાન્ય ખેડુતપુત્ર એક દિવસ ભારતનો સૌથી શક્તિશાળી, પ્રામાણિક અને મુત્સદ્દી રાજનેતા બનશે.

 
સરદાર સાહેબના કહેવમુજબ શાળાજીવનમાં તેઓ "તોફાનીઓના સરદાર" હતા. તેમના તોફાનો પણ કેવા હતા? બિલકુલ સરદાર શબ્દને શોભાવે તેવા.

 
મોસાળ નડિયાદમાં રહીને ભણતા ત્યારે શાળામાં એક શિક્ષક સ્ટેશનરીનો વેપાર કરતા. નોટબુક-પેન્સિલ-રબર જેવી વસ્તુઓ ખરીદવા માટે તેઓ વિદ્યાર્થીઓને ફરજ પડતા. આ બધી જ વસ્તુઓની કિંમત પણ બજાર કરતા વધુ. વલ્લભભાઈથી આ કેવી રીતે સહન થાય? આ વેપાર અટકાવવા માટે વલ્લભભાઈની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હડતાલ પડી અને જ્યાં સુધી શિક્ષકે વેપાર બંધ ના કર્યો ત્યાં સુધી લડત ચલાવી. ખોટું ચલાવી ન લેવું એ ગુણ વલ્લભભાઈએ બાળપણમાં જ પાકો કરી લીધો હતો.

 
નડિયાદની શાળામાં અગરવાલ નામના શિક્ષક કલાસમાંસમયસર આવતા નહિ. એક દિવસ તેઓ કલાસમાં પહોંચ્યા નહિ તેહિ વલ્લભભાઈએ ગીત ગાવાનું શરુ કર્યું. બધા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા. આ સામુહિક ગાન સાંભળીને શિક્ષક દોડતા કલાસમાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા. ત્યારે વલ્લભભાઈએ કહ્યું કે "સાહેબ, તમે કલાસમાં ન આવો તો અમે શું કરીયે? ગાઈએ કે રોઇએ?" સાહેબે ગુસ્સામાં આવીને વલ્લભભાઈને કલાસની બહાર નીકળી જવા કહ્યું. પરંતુ વલ્લભભાઈની પાછળ પાછળ બધા જ વિદ્યાર્થીઓ પણ બહાર નીકળી ગયા. વાત આચાર્ય સુધી પહોંચતા આચાર્યે વલ્લભભાઈને શિક્ષકની માફી માંગવા કહ્યું. પરંતુ પોતાનો કોઈ જ વાંક ન હોવાથી માફી માંગવાનો ઇન્કાર કરી દીધો. અંતે માફી માગ્યા વગર જ કલાસ ફરીથી ચાલુ થઇ ગયો. પોતાની ભૂલ ન હોય ત્યારે કોઈની આગળ ન ઝુકવુ એ તેમનો સ્વભાવ હતો.

 
નડિયાદની શાળાના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઉમેદવાર હતા. તેમની સામે નડિયાદનો એક ધનવાન મોભાદાર ઉમેદવાર હતો. એ ઉમેદવારે જાહેરમાં કહ્યું કે મારી સામે ઉભેલા પંતુજી માસ્તરને તો હું સરળતાથી હરાવી દઈશ. અને જો એમ ન કરું તો મારી મૂછો મુંડાવી નાખીશ. વલ્લભભાઈ અને તેમના મિત્રોએ ખુબ જ જોરશોરથી શિક્ષક માટે પ્રચાર કર્યો. ઘરે ઘરે જઈને લોકોને શિક્ષક માટે મત આપવા સમજાવ્યા. અને જયારે ચૂંટણી નું પરિણામ આવ્યું તો શિક્ષક સારી એવી બહુમતીથી જીતી ગયા. એટલે વલ્લભભાઈ પોતાના મિત્રો સાથે વાજતેગાજતે હારેલા અભિમાની ઉમેદવારને ઘરે પહોંચ્યા. મૂછો મૂંડવા માટે વાળંદને પણ સાથે લઇ ગયા. એ ઉમેદવારને ઘરની બહાર બોલાવીને તેની પ્રતિજ્ઞા યાદ કરાવી અને જાહેરમાં તેની મૂછો મૂંડાવી.

 
વલ્લભભાઈના હાજરજવાબી અને રમુજી સ્વભાવ દર્શાવતો પ્રસંગ ત્યારે બન્યો જયારે તેઓ વડોદરાની શાળામાં અભ્યાસ કરતા.  છોટાલાલ નામના શિક્ષકે એક દિવસ કોઈ કારણસર વલ્લભભાઈને પાડા લખવાની સજા સંભળાવી.  વલ્લભભાઈને આ સજા અપમાનજનક લાગી. ઇલેક્ટ્રિકલ એન્જીનીરીંગની ભાષામાં સમજીએ તો....છેલ્લા સેમેસ્ટરમાં ભણતા કોઈ વિદ્યાર્થીને પ્રોફેસર  ઓહ્મનો નિયમ લખવાની સજા કરે તો તે વિદ્યાર્થીને કેવું અપમાનજનક લાગે. એને થાય કે હવે થોડા સમયમાં તો હું એન્જીનીર બનીશ અને ઓહ્મનો નિયમ લખવાની સજા? હા ટ્રાન્સીયેન્ટ કે ડાયનામિક સ્ટેબિલિટી લખવાની સજા આપે તો ઠીક છે. એટલે વલ્લભભાઈએ સજાનો અમલ ન કર્યો. બીજે દિવસે શિક્ષકે ડબલ સજા આપી. એમ કરતા કરતા પાડા લવાની સંખ્યા બસ્સો સુધી પહોંચી. હવે જયારે શિક્ષકે છેલ્લી વાર પૂછયું કે તને બસ્સો પાડા લખવાનું કહ્યું હતું તેનું શું થયું? પરંતુ અહીંયા શિક્ષકથી થોડી ગરબડ થઇ ગયી. તેમનાથી એમ બોલ્યા ગયું કે "તને બસ્સો પાડા લાવવાનું કહ્યું હતું તે લાવ્યો?" સાહેબ તરફથી મળેલો ફુલ ટૉસ વલ્લભભાઈ કેમ છોડે ! તરત જ જવાબ આપ્યો કે સાહેબ હું તો બસ્સો પાડા લાવ્યો હતો, પણ તેમાંથી બે પાડા ભારે તોફાને ચડ્યા અને તેમનું જોઈને બીજા એકસો અઠ્ઠાણું પાડા પણ શાળાના દરવાજેથી ભાગી ગયા. અહીંયા પણ વાત આચાર્ય સુધી પહોંચી. આચાર્યને વલ્લભભાઈએ રોકડું પરખાવ્યું કે શિક્ષકને સજા કરવાનો અધિકાર છે પણ સજા એવી હોવી જોઈએ કે તેમાંથી વિદ્યાર્થીને કંઈક શીખવાનું મળે. બાકી ગદ્ધાવૈતરું કરવાનો શો અર્થ?

 
વડોદરાની શાળાનો એક અન્ય પ્રસંગ છે. બીજ ગણિત શીખવતા શિક્ષકને અમુક દાખલા ગણવામાં તકલીફ પડતી. એક દિવસ તેઓ એક દાખલો ગણવામાં અટવાયા. એટલે વલ્લભભાઈ બોલ્યા કે સાહેબ તમને દાખલો ગણતા આવડતું નથી. શિક્ષકે ગુસ્સામાં કહ્યું કે તને આવડતો હોય તો તું દાખલો ગણી બતાવ અને સાહેબ બની જા. વલ્લભભાઈ વટથી ઉભા થયા અને બોર્ડ ઉપર દાખલો ગણી બતાવ્યો. એટલું જ નહિ પણ શિક્ષકની ખુરશી ઉપર પણ વટથી બેઠા. મામલો ફરીથી આચાર્ય સુધી પહોંચ્યો. કંટાળીને વલ્લભભાઈએ વડોદરાની શાળા છોડી દીધી અને ફરી પાછા નડિયાદની શાળામાં આવી ગયા.

 
 
(ટૂંક સમયમાં: યુવાન બેરિસ્ટર વલ્લભભાઈ)नमस्ते सदा वत्सले मातृभूमे |
Back to content | Back to main menu